મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયી વળતર આપવા માટે રાજ્ય સરકારના ૦૪/૦૭/૨૦૨૬ના નવા ઠરાવ મુજબ પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC)ની બેઠક યોજાઈ હતી. મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો, કંપનીના પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં જમીનના ભાવ પારદર્શક રીતે નક્કી કરાયા હતા.

હળવદ તાલુકાના વેગડવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે આ બેઠક યોજાઈ હતી. કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા રજૂ કરાયેલા બંધ કવરોમાંથી લોટરી પદ્ધતિથી બે ચિઠ્ઠીઓ પસંદ કરીને આશરે ૧૫ સર્વે નંબરોના ભાવ નક્કી કરવામાં આવ્યા. આ પારદર્શક પ્રક્રિયાથી ખેડૂતોમાં વિશ્વાસ વધ્યો હતો.
નવી નીતિના કારણે ખેડૂતોને અગાઉની પદ્ધતિ કરતાં ૪૦૦ ટકાથી વધુ વળતર મળવાપાત્ર બન્યું છે. ઉદાહરણ તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯માં જૂની DLVC પદ્ધતિ હેઠળ પ્રતિ ચોરસ મીટર રૂ. ૯૭૯ના ભાવે ૮૫ ટકા પ્રમાણે ખેડૂતને રૂ. ૧૪.૫૭ લાખ મળતા હતા. હવે નવી MRC કમિટીએ પ્રતિ ચોરસ મીટર રૂ. ૧૯૪૫નો ભાવ નક્કી કર્યો છે, જેના ૨૦૦ ટકા પ્રમાણે ખેડૂતને રૂ. ૫૮.૬૧ લાખ મળશે.

આમ, ખેડૂતોને અગાઉના વળતર કરતાં ચાર ગણાથી વધુ રકમ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ટ્રાન્સમિશન લાઇનના કામકાજ દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારના નિયમો મુજબ અલગથી ચૂકવાશે.નવી MRC પદ્ધતિથી ખેડૂતોને વધુ ન્યાયી વળતર મળવાની સંભાવના વધી છે. કમિટીના આ નિર્ણયથી ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. મોરબી જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું કે આગામી સમયમાં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ જ પારદર્શક પદ્ધતિથી ભાવ નક્કી કરાશે. જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને MRC કમિટીની પ્રક્રિયામાં જોડાઈને ન્યાયી વળતર મેળવવા અપીલ કરવામાં આવી છે.

