પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મોટાપાયે વહીવટી ફેરફાર કર્યો છે. વિભાગ દ્વારા તા.19 ઑગસ્ટ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ 30 તાલુકા વિકાસ અધિકારીઓની તાલુકાકક્ષાએ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 8 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બદલીના આદેશમાં મોટાભાગની નિમણૂકો ‘જાહેર હિતમાં’ કરવામાં આવી હોવાનું દર્શાવાયું છે.
30 TDOની એક તાલુકામાંથી બીજા તાલુકામાં બદલી સરકારે જારી કરેલા આદેશ મુજબ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા TDOને અન્ય તાલુકાઓમાં ખસેડવામાં આવ્યા છે. તેમાં ભાવનગર, નવસારી, પાટણ, બનાસકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
કેટલાક અધિકારીઓની બદલી ‘જાહેર હિતમાં’, જ્યારે કેટલાકની ‘સ્વવિનંતી’ના આધારે કરવામાં આવી છે. આ સાથે અગાઉના તા.10 જુલાઈના આદેશમાં કરવામાં આવેલા ફેરફારમાં પણ સુધારો કરાયો છે. શિહોરના તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ રાવને તાલુકા વિકાસ અધિકારી શિહોર, ભાવનગર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.
8 અધિકારીઓને TDO તરીકે સીધી નિમણૂક ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 30/2022-23 અંતર્ગત સીધી ભરતીથી પસંદ થયેલા 8 ઉમેદવારોને તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ તાલુકાઓમાં પોસ્ટિંગ અપાયું છે. નવા નિમણૂક પામેલા અધિકારીઓમાં તાલુકા વિકાસ અધિકારી લીમખેડા, શિહોર, માંડલ, વડાલી, માલપુર, ઉના, નિઝર અને રાજકોટ જેવા તાલુકાઓમાં નિમણૂક કરાયેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને નિયત શરતો અને પરીક્ષાકાળના નિયમો હેઠળ ફરજ બજાવવાની રહેશે.

