રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારાની 66 બસો દોડાવવામાં આવશે. હાલ રાજકોટ એસટી વિભાગ દ્વારા 485 જેટલી બસોનું સંચાલન કરવામાં આવે છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા 66 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ, સુરત, ભાવનગર, ભુજ અને દાહોદ સહિતના સ્થળોએ બસો દોડાવવામાં આવશે અને જે રૂટ ઉપર ટ્રાફિક વધારે હશે ત્યાં વધારાની બસો પણ ફાળવવામાં આવનાર છે.
રાજકોટમાં રક્ષાબંધનના તહેવાર દરમિયાન તા.26 થી 30 ઓગસ્ટ તો જન્માષ્ટમીમાં તા.2 થી 7 સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ ડેપોમાં 17, ગોંડલમાં 10 અને જસદણ ડેપોમાં 5 એક્સ્ટ્રા બસો દોડશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં મોરબી ડેપોમાં 10 અને વાંકાનેરમાં 5 બસો મૂકવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં 10, ધ્રાંગધ્રમાં 5 તો ચોટીલામાં 3 એક્સ્ટ્રા બસ લોકોની સુવિધા માટે મૂકવામાં આવી છે.

