પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે વીજ જોડાણ, રોડ રસ્તા, ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો, મહેસૂલ, પુરવઠા અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે પડતર અરજીઓનો નિકાલ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા અને વિવિધ યોજનાઓના સહાય વિતરણ સહિતના મુદ્દાઓ પર ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, કલેક્ટરે સીએમ ડેશબોર્ડ, પી.જી. પોર્ટલ અને સ્વાગત કાર્યક્રમ અંતર્ગતની અરજીઓનો નિકાલ કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર અને નિમિષાબેન સુથાર, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, પ્રાંત અધિકારી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

