મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસોને પગલે નાગરિકો અને ખાસ કરીને છાત્રાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ છાત્રાલયો, શાળાઓ, હોટલો તથા ખાદ્યચીજોની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનાર સંચાલકોને નોટિસો આપી અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

બાલાસિનોર તાલુકાના વિવિધ છાત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એક કન્યા છાત્રાલયમાંથી અંદાજે 4 કિલોગ્રામ બિનઉપયોગી અને અખાદ્ય ગોળનો નાશ કરાયો હતો. આ છાત્રાલયમાં રસોડા અને પીવાના પાણી માટે કૂવાનું પાણી વપરાતું હોવાથી પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવા અને RO સિસ્ટમ લગાવવા સૂચના અપાઈ હતી.
વિરપુર તાલુકામાં પણ અનેક છાત્રાલયો અને શાળાઓની તપાસ કરાઈ હતી. કેટલાક સ્થળોએ સ્વચ્છતા અંગે નોટિસો અપાઈ હતી. સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાંથી 8 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ચણાના રો-મટીરીયલનો નાશ કરાયો હતો અને ચાર કાચા માલના નમૂના લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા.

બાલાસિનોરના વડાદલા વિસ્તારમાં આવેલી ખાનગી હોટલોની પણ તપાસ કરાઈ હતી. હોટેલ આસોપાલવ અને હોટેલ સબરસને નિયમોના અભાવ બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ હતી. હોટેલ સબરસમાંથી 9 કિલો અખાદ્ય મંચુરિયન અને 4 કિલો બાસી રાઈસ મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરાયો હતો.

