Gujarat

બોપલ-ઘુમામાં જળબંબાકાર મુદ્દે યોજાશે ભવ્ય લોક દરબાર

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટના રોજ ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ ગુજરાત મુલાકાતે આવી રહેલા ગૃહમંત્રી આ વખતે જાહેર સભાઓ, લોક દરબાર, વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકોમાં હાજરી આપશે.

પોતાના સંસદીય મતવિસ્તાર અમદાવાદ અંતર્ગત બોપલ અને ઘુમામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીઓ સંદર્ભે તેઓ ખાસ લોક દરબાર યોજીને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત અમરેલીમાં જાહેરસભા અને ગાંધીનગરમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે, જેને લઈને વહીવટી તંત્ર અને સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બોપલ-ઘુમામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે યોજાશે લોક દરબાર જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બોપલ અને ઘુમા વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. આ વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યાને 5 વર્ષ જેટલો સમય વીતવા છતાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

તંત્રની ધીમી કામગીરી બાદ હવે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી સ્થાનિક સોસાયટીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજશે. આ લોક દરબારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), ઔડા (AUDA) તેમજ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે અને નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના કાયમી નિરાકરણ માટે સ્થળ પરથી જ તાકીદની સૂચનાઓ આપવામાં આવશે.