Gujarat

દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતની દિશામાં સરકારનું મોટું પગલું

ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ મુદ્દે સર્વગ્રાહી અભ્યાસ કરવા 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. સમિતિના અભ્યાસ અને ભલામણ બાદ દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતની નીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.

મુખ્ય સચિવ અધ્યક્ષ, ચાર વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સભ્ય રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિમાં સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રની સૂચનાઓ અને કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ સમિતિ રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને બઢતીમાં અનામત આપવા અંગેની પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરશે. આ સાથે ભારત સરકારની સૂચનાઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓનો પણ સઘન અભ્યાસ કરવામાં આવશે.