Gujarat

શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગની યાત્રાનું આયોજન, શનિ શિંગણાપુર અને શિરડી મંદિરના દર્શન કર્યા

વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ૫૦ સિનિયર સિટીઝન સભ્યો માટે મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગની યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં સભ્યોએ શ્રી ભીમાશંકર, શ્રી ગ્રીષ્નેશ્વર, શ્રી નાગેશ્વર, શ્રી પરલી વૈજનાથ અને શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લીધો હતો.

પાંચ જ્યોતિર્લિંગ ઉપરાંત, યાત્રાળુઓએ શનિ શિંગણાપુર અને શિરડી મંદિરના પણ દર્શન કર્યા હતા. આ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેમાં સિનિયર સિટીઝન સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અમદાવાદ સ્થિત વૈષ્ણોદેવી યુવક મંડળ, ઈસનપુર પરિવાર છેલ્લા 25 વર્ષથી ધાર્મિક યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. દર વર્ષે વૈષ્ણોદેવી દર્શન માટે જવાની પરંપરા છે, જેમાં ધજા ચઢાવી પરત ફર્યા બાદ માતા વૈષ્ણોદેવીની ચોકી અને જાગરણનું પણ આયોજન કરવામાં આવે છે.

વર્ષ 2018 થી, આ મંડળ ભારતના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રાઓ કરાવી રહ્યું છે. જેમાં વૈષ્ણોદેવી, ચારધામ (યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ), તુંગનાથ મહાદેવ, નેપાળ પશુપતિનાથ, અમરનાથ, 12 જ્યોતિર્લિંગ, રામેશ્વર, કન્યાકુમારી, મદુરાઈ, તિરુપતિ બાલાજી, પદ્મનાભ મંદિર, જગન્નાથ પુરી, ગંગા સાગર, ચંપારણ, તેમજ રાજસ્થાનના તનોટ માતા મંદિર, રામદેવ મંદિર, ખાટુશ્યામ, પુષ્કર, શેઠ સવારીયા જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જેસલમેર અને લોંગેવાલ (૧૯૭૧ યુદ્ધ સ્થળ) જેવા ઐતિહાસિક સ્થળોની પણ યાત્રાઓ કરાવી છે.