રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝાની શોપમાં પિત્ઝામાંથી માખી નીકળી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સેટેલાઈટ ચોક પાસે આવેલી પિત્ઝા શોપમાં પિત્ઝામાંથી માખી નીકળતા ગ્રાહકે વેપારીને આ બાબતે ફરિયાદ કરી હતી, પરંતુ વેપારીએ બચાવ કર્યો કે પિત્ઝા આપ્યા બાદ માખી પડી છે.
જોકે હકીકત એ હતી કે માખી મેલ્ટ થયેલી હોવાથી પિત્ઝા બનાવતા સમયે પડી હતી. આ બાબતે આરોગ્ય અધિકારીએ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરશું તેવો જવાબ આપ્યો હતો.
માખી તો ઉપરથી પડી છે: વેપારી શહેરના સેટેલાઈટ પાસે આવેલી ડોમિનોઝ પિત્ઝાની શોપમાં ગઈકાલે રાતના સમયે એક યુવાન પહોંચ્યો હતો અને પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ પિત્ઝા આવતા યુવાને તેને ખાવાનું શરૂ કરતા એક પીસમાં તેને માખી નજરે પડી હતી. જે પછી તે અંગે યુવાને વેપારીને ફરિયાદ કરી હતી. જોકે વેપારીએ બચાવ કર્યો હતો કે માખી તો પિત્ઝા તૈયાર થઈ ગયા બાદ ઉપરથી પડી હશે.
યુવકે માખી દેખાડતો વીડિયો બનાવ્યો આ સમયે આ યુવાન તે પિત્ઝાનો વીડિયો બનાવે છે અને તેમાં માખી પડી હોય તેવું દર્શાવે છે. યુવાન તે વીડિયોમાં કહે છે કે માખી મેલ્ટ થઈ ગઈ છે એટલે કે પિત્ઝા બનાવતા સમયે આ માખી પડી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા સુધી આ બાબતની કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે અને બાદમાં કાર્યવાહી થશે.

