Gujarat

કેટરર્સમાં કામે જતી સગીરાને ભોમેશ્વર વિસ્તારના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધ્યા

રાજકોટ શહેરમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક શર્મજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માત્ર 15 વર્ષની સગીરાને કેટરર્સના કામ દરમિયાન પરિચયમાં આવેલા એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ 4 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને મોઢું ખોલશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આ મામલે ગભરાયેલી સગીરાએ પરિવારને આપવીતી જણાવતાં થોરાળા પોલીસે પોક્સો (POCSO) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

કેટરર્સના કામ દરમિયાન પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી થોરાળા પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આજથી 5 મહિના અગાઉ તેમની 15 વર્ષીય દીકરી કેટરર્સના કામ માટે જતી હતી. તે દરમિયાન તેની સાથે જ કામ કરતા ભોમેશ્વર વિસ્તારના અમૃત ઉર્ફે સન્ની બેલમ નામના શખ્સ સાથે તેનો પરિચય થયો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થયા બાદ નિયમિત વાતચીત શરૂ થઈ હતી. આ વાતચીતનો ગેરલાભ ઉઠાવી આરોપી અમૃતએ સગીરાને વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

જ્યુબિલી ચોક પાસેની ઓફિસમાં લઈ જઈ 4 વખત દુષ્કર્મ આચર્યું આરોપીએ 27 જૂન 2026 થી 26 ઓગસ્ટ 2026ના સમયગાળા દરમિયાન સગીરાને પોતાના વાહન પર બેસાડીને જ્યુબિલી ચોક નજીક આવેલી એક બિલ્ડિંગની ઓફિસમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક 4 અલગ-અલગ દિવસે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ આરોપીએ કોઈને પણ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.