Gujarat

લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ આરોપીની દિલ્લીથી ધરપકડ

ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં ડુપ્લિકેટ વિદેશી દારૂના કારણે સર્જાયેલા અને 13 નિર્દોષ લોકોનો ભોગ લેનારા ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 21 શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સઘન તપાસ ચલાવી રહેલી એસએમસીની ટીમે દિલ્હી પોલીસના સંયુક્ત સહયોગથી દિલ્હીથી ઝેરી મિથેનોલનો જથ્થો સપ્લાય કરનાર વધુ 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિલ્હી કોર્ટમાંથી આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેમને વધુ પૂછપરછ માટે ગુજરાત લાવવાની કવાયત હાથ ધરાઈ છે, જે સાથે જ આ ચકચારી કેસમાં ઝડપાયેલા કુલ આરોપીઓનો આંકડો હવે 31 પર પહોંચી ગયો છે.

એસએમસી વડાના માર્ગદર્શન હેઠળ દિલ્હી સુધી તપાસનો દોર લંબાયો ભાવનગરના વરતેજમાં સર્જાયેલી આ ભયાનક હોનારત બાદ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસી વડા ગગનદીપસિંઘ ગંભીરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ ટીમોએ જુદા જુદા રાજ્યોમાં સોર્સ સુધી પહોંચવા માટે કવાયત તેજ કરી હતી.

તપાસના પ્રારંભિક તબક્કામાં મુખ્ય સૂત્રધાર રઈશ અંસારી સહિત 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રઈશ અંસારીના 9 દિવસના તેમજ અન્ય 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારબાદ હાથ ધરાયેલી સઘન પૂછપરછમાં કેમિકલ સપ્લાયર આનંદ છાંડી સહિત વધુ 13 આરોપીઓ પકડાતાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 28 થઈ હતી.