પંચમહાલના હાલોલ તાલુકાના કણજરી ખાતે એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિન્ડાર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધા પૂરી પાડવાના હેતુથી આ મંદિરનું નિર્માણ કરાયું છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
લોકાર્પણ પ્રસંગે વિન્ડાર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન કે. ભારતીજી હાજર રહ્યા હતા. તેમની સાથે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ, અન્ય આગેવાનો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કણજરી ખાતે તૈયાર થયેલું આ પ્રાથમિક આરોગ્ય મંદિર ગ્રામજનો માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. કણજરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમિક સારવાર અને આરોગ્યલક્ષી સેવાઓ નજીકમાં જ ઉપલબ્ધ થવાથી તેમનો સમય અને મુસાફરીનો ખર્ચ બચશે.

