જિલ્લામાં નશાના કાળા કારોબારની પદાર્થોની હેરાફેરી સામે રાજ્ય પોલીસની ટીમે કડક કામગીરી કરી છે જેમાં બનાસકાંઠા રેન્જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધાનેરા નજીક દરોડો પાડીને લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદે પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ ટીમને જાેઈ જતાં જ તસ્કર કે કારચાલક અંધારાનો લાભ ઉઠાવીને પોતાની ગાડી રસ્તા પર જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસની ટીમે બિનવારસી હાલતમાં મળેલી કારની ઝીણવટભરી તલાશી લેતાં અંદરથી ૨૨૮.૭૦૦ કિલો પોસડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસને ગેરમાર્ગે દોરવા અને ઓળખ છુપાવવા માટે ઉપયોગમાં લેવાતી અલગ-અલગ ૬ નંબર પ્લેટો પણ કારની અંદરથી મળી આવી છે.
પોલીસે કારમાંથી મળેલા રૂ. ૩૮,૩૦,૦૦૦ (રૂપિયા ૩૮.૩૦ લાખ) ની કિંમતના પોસડોડા અને કાર સહિત કુલ રૂ. ૫૦,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

