Gujarat

ગોધરાના અંકલેશ્વર મંદિરે બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ પરિવર્તન

ગોધરા શહેરના ઐતિહાસિક અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણી પૂર્ણિમા (બળેવ) નિમિત્તે બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા જનોઈ પરિવર્તન (ઉપાકર્મ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો માટેના આ મહત્વપૂર્ણ તહેવાર પર સતત ૨૧મા વર્ષે આ વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થઈ.

આ ધાર્મિક પ્રસંગે ગોધરા શહેરના વિવિધ ગોળના મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ પરિવર્તન કર્યું. આ કાર્યક્રમમાં પરંપરાગત રીતે યજ્ઞોપવીત ધારણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ યજ્ઞોપવીત કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને ભૂદેવો જેવા કે પ્રકાશ દીક્ષિત, કકુલ પાઠક, વિનાયક શુક્લા, હિતેશ ભટ્ટ, કૃણાલ ત્રિવેદી, ડો. શ્યામસુંદર શર્મા, જે.પી. ત્રિવેદી, નિતેશ દવે, મનોજ જોશી અને જયદીપ ગોર સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો.

જનોઈ પરિવર્તનની વૈદિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભૂદેવો માટે બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ ભૂદેવોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો. આ પરંપરા છેલ્લા ૨૧ વર્ષથી અવિરતપણે જાળવવામાં આવી રહી છે, જે સમાજમાં ધાર્મિક એકતા અને સંસ્કૃતિનું પ્રતિક છે.