ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વલ્લભીપુરના પચ્છેગામમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડીને બે શખસને અટકાયતમાં લીધા છે. દરોડા દરમિયાન પોલીસને જોઈને સાત શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચે સ્થળ પરથી રોકડ, મોબાઈલ અને પાંચ બાઈક મળી કુલ રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ નવ શખસો વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર રેડ એલસીબીનો સ્ટાફ વલ્લભીપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પચ્છેગામમાં જાહેર જગ્યામાં પૈસા પાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતાં રવિરાજસિંહ ઉર્ફે નાનભા ગોહિલ (રહે. પચ્છેગામ) અને મનહર બચુભાઈ પીપળીયા (રહે. કંથારીયા) હાર-જીતનો જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
દરોડા દરમિયાન 7 શખસ નાસી છૂટ્યા પોલીસની ગાડી જોતાં જ જુગાર રમી રહેલા અન્ય 7 શખસો- નિલુભા ઉર્ફે એન.ડી. ગોહિલ, જીકા પીપળીયા, કાળુ ડાબસરા, જયપાલસિંહ ગોહિલ, અનોપ સોલંકી, પ્રદિપ મકવાણા અને સિદ્ધરાજસિંહ ગોહિલ ભાગી છૂટ્યા હતા. પોલીસે ફરાર શખસોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, 2 મોબાઈલ અને 5 બાઈક મળીને કુલ રૂ. 1,47,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ 9 શખસો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

