સુરત ગ્રામ્ય પોલીસને નાગરિકોને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે 112 ઇમરજન્સી સર્વિસની 17 નવી ગાડીઓ પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પોલીસ હેડક્વાર્ટર ઘલુડી ખાતેથી આ તમામ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ 112 ઇમરજન્સી સેવાના વાહનો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં અને પોલીસના રિસ્પોન્સ ટાઈમમાં સુધારો લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ પહેલાં ‘જનરક્ષકનો 112’ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેથી નાગરિકોને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક મદદ મળી શકે.

અગાઉ સુરત ગ્રામ્યમાં 17 લોકેશન નક્કી કરાયા હતા, જેમાં હાલમાં 4 નવા લોકેશન ઉમેરીને કુલ 21 લોકેશન કરવામાં આવ્યા છે. આ તમામ સ્થળોએ નવી ગાડીઓ ફાળવવામાં આવી છે, જેનાથી સેવાની અસરકારકતામાં નોંધપાત્ર સુધારો થશે.
શરૂઆતમાં રિસ્પોન્સ ટાઈમ આશરે 24 મિનિટ જેટલો હતો, જે ઘટાડીને આજે 11 થી 11.5 મિનિટ જેટલો કરવામાં આવ્યો છે. નવી ગાડીઓના જોડાવાથી આ સમય હજુ વધુ ઓછો થવાની અપેક્ષા છે. રાજ્ય સરકારની ‘સિટીઝન સેન્ટ્રિક પોલીસિંગ’ નીતિ હેઠળ અત્યાર સુધીમાં 20,000 કરતા વધુ કોલ એટેન્ડ કરીને સ્ટાફે રૂબરૂ જઈને અનેક સમસ્યાઓ અને સંવેદનશીલ બાબતોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવ્યું છે.

