સુરતના MSME ઉદ્યોગકારો દ્વારા સ્થાપિત કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સમાં વારંવાર કરવામાં આવતા અનિયમિત પાવર કર્ટેઇલમેન્ટના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉર્જા વિભાગની પૂર્વ મંજૂરી બાદ કરોડો રૂપિયાનું રોકાણ કરવા છતાં ઉત્પાદિત વીજળી કાપી લેવામાં આવતી હોવાથી રોષે ભરાયેલા લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો અને MSME ઉદ્યોગકારો કાપોદ્રા સ્થિત DGVCL કચેરીએ પહોંચ્યા હતા.
ઉદ્યોગકારોએ કોઈપણ જાતના કર્ટેઇલમેન્ટ વગર સોલાર જનરેશન પૂર્ણપણે ગ્રીડમાં લેવાય અને નીતિ વિષયક અડચણો દૂર કરી તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે. ઉત્પાદન છતાં 60% સુધી વીજળી વેસ્ટ થવાનો આક્ષેપ ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર સોલાર કેપ્ટિવ પ્લાન્ટમાં જેટલી પણ વીજળીનું ઉત્પાદન થાય છે, તેમાંથી 30%, 40% અને ઘણીવાર 60% સુધી ઉત્પાદન કાપી લેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે રોજના 100 યુનિટનું ઉત્પાદન થતું હોય તો તંત્રએ 50 યુનિટ જેટલી જનરેશન અટકાવી દે છે, જેના કારણે દિવસ દરમિયાન ઉત્પાદિત રિન્યુએબલ એનર્જીનો મોટો હિસ્સો સદંતર વેડફાઈ રહ્યો છે. આ ગંભીર બેદરકારીને લીધે ઉદ્યોગોને મોટો નાણાકીય ફટકો પડવાની સાથે પર્યાવરણના હિતને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે.
‘ગ્રીન એનર્જી તરફ વળ્યા પણ પોઝિટિવ ઇમ્પેક્ટ ન મળ્યો’ ઉદ્યોગકાર બ્રિજેશ વિઠાણીએ જણાવ્યું હતું કે, અમારે કોઈપણ જાતનું કર્ટેઇલમેન્ટ જોતું નથી. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને અમે પ્રધાનમંત્રીના ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જીના વિઝન તરફ વળ્યા છીએ, જેનો પોઝિટિવ ઇમ્પેક્ટ મળવાને બદલે નેગેટિવ ઇમ્પેક્ટ આવી રહ્યો છે. અમે પ્લાન્ટ 5 વર્ષમાં ફ્રી થવાની ગણતરી કરી હતી, પરંતુ આ સ્થિતિમાં 10 વર્ષે પણ ફ્રી થાય તેમ નથી. પોલિસી મેકિંગમાં તંત્રની બેદરકારીને લીધે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ અને હેરાનગતિ વધી ગઈ છે.

