ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકના સ્ટાફે હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સનેશ ગામ નજીક નિરમા ચોકડી પાસે અમદાવાદ તરફથી આવતી ખાનગી બસને અટકાવીને તપાસ હાથ ધરી હતી.
બસમાં મુસાફરી કરી રહેલા છ શખ્સો પાસેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. ઝડપાયેલા શખ્સોએ મહારાષ્ટ્રના નાસિક ખાતે ધાર્મિક કામ સબબ ગયા હોવાનું અને ત્યાંથી વાઇન શોપમાંથી પીવા માટે દારૂ-બિયર ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી.
21,622ના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા પોલીસે બસમાં સવાર જગદીશ હીરાભાઈ વાજા, કૌશલ કાંતિભાઈ પરમાર, રવિ શાંતિલાલ મકવાણા, અનંત ઠાકરશીભાઈ પરમાર, રાજેશ ધુડાભાઈ મકવાણા અને જીતેશ શાંતિલાલ ચૌહાણ પાસેથી વિદેશી દારૂની 43 બોટલ તેમજ ૧૪ બિયરના ટીન મળી કુલ રૂ. 21,622નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વેળાવદર ભાલ પોલીસે તમામ છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, મુદ્દામાલ કબ્જે કરીને તેમની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

