Gujarat

“વાવેલું વૃક્ષ સુકાઈ જાય તે ભ્રૂણહત્યા સમાન પાપ”: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પાટણ તાલુકાના મહેમદપુરમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રકૃતિ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ: ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું

માત્ર વૃક્ષ વાવવું નહીં, તેનું સંવર્ધન કરવું પણ જરૂરી: મહેમદપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી સંદેશ

પાટણ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પાટણ તાલુકાના મહેમદપુર ગામે ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રકૃતિ સંરક્ષણ, સ્વચ્છતા અને ગ્રામ સમરસતાને ગ્રામ વિકાસના પાયાના આધારસ્તંભ ગણાવી સૌને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળા ગામના નિર્માણ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા મહેમદપુર ગામની ૧ હેક્ટર ગોચર જમીન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરાનો છોડ રોપીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જિલોવા સહિતના મહાનુભાવો તથા મહેમદપુરના ગ્રામજનોએ ૨૦થી વધુ જાતિના ફળાઉ સહિતના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. વાવેલા દરેક વૃક્ષની જાળવણી અને સંવર્ધન કરવાની સામૂહિક જવાબદારી સ્વીકારી સૌએ વૃક્ષોના ઉછેરનો સંકલ્પ લીધો હતો.

મહેમદપુર ખાતે ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં વૃક્ષોને ‘સાક્ષાત દેવતા’ કહેવામાં આવ્યા છે. વૃક્ષો આપણને જીવનદાયી ઓક્સિજન, ફળ અને છાંયડો આપે છે તેમજ અસંખ્ય પશુ-પંખીઓને આશ્રય પૂરો પાડે છે. માનવસર્જિત પર્યાવરણીય અસંતુલનને કારણે કુદરતી આપદાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાનને જનઆંદોલન બનાવવાની હાકલ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષ વાવી દેવાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ વાવેલા વૃક્ષનું ઓછામાં ઓછા બે વર્ષ સુધી બાળકની જેમ જતન અને સંવર્ધન કરવું જરૂરી છે. જાે વાવેલું વૃક્ષ સુકાઈ જાય તો તે ભ્રૂણહત્યા સમાન પાપ છે, કારણ કે વૃક્ષમાં પણ જીવ છે. તેમણે ગ્રામજનોને વાવેલા દરેક વૃક્ષને પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેરી તેની નિયમિત જાળવણી અને સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, એક વૃક્ષનું જતન કરવું એટલે માત્ર પર્યાવરણનું જતન નહીં, પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું જતન કરવું છે. તેથી ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાનને માત્ર વૃક્ષારોપણ સુધી સીમિત ન રાખી તેને વૃક્ષ સંવર્ધનના જનઅભિયાનમાં પરિવર્તિત કરવાની જરૂર છે.

વૃક્ષારોપણ બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ’ના સંકલ્પ સાથે મહેમદપુર ગામમાં ગ્રામજનો, સફાઈકર્મીઓ, લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં સક્રિય શ્રમદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પોતે હાથમાં ઝાડૂ લઈ સ્વચ્છતા અભિયાનમાં જાેડાઈ ગ્રામજનોને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

સ્વચ્છતા અભિયાન બાદ ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, શ્રમદાન કે સફાઈ કરવાથી કોઈ વ્યક્તિનો હોદ્દો કે પદ નાનું થતું નથી. પોતાના ગામને સ્વચ્છ અને સુંદર રાખવું એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તો અનેક બીમારીઓથી બચી શકાય છે અને દવાઓ પાછળ થતો આર્થિક ખર્ચ પણ ઘટાડી શકાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાને માત્ર અભિયાન નહીં પરંતુ જીવનનો સંસ્કાર બનાવવાની અપીલ કરી હતી. તાજેતરમાં વડોદરા જિલ્લાના ગામો દ્વારા પોતાના વિસ્તારને સ્વચ્છ બનાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવાના પ્રેરણાદાયી ઉદાહરણનો ઉલ્લેખ કરી તેમણે મહેમદપુર ગામને પણ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ બનાવવા ગ્રામજનોને હાકલ કરી હતી.

રાજ્યપાલશ્રીએ ગામના સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવી તેમનું સન્માન પણ કર્યું હતું. તેમણે સફાઈકર્મીઓને સ્વચ્છ ગામના સાચા કર્મયોગી ગણાવી તેમની સેવાઓને પ્રોત્સાહિત કરી હતી.

રાજ્યપાલશ્રીએ મહેમદપુર ગામની સમરસતા અને એકતાની પણ પ્રશંસા કરી હતી. સમરસ ગ્રામ પંચાયતના યુવા સરપંચની પસંદગી કરનાર મહેમદપુર ગામ પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સામાજિક સમરસતાનું ઉત્તમ પ્રતીક છે તેમ જણાવી તેમણે ગામની આ એકતા અને સમરસતાના બળે મહેમદપુરને તમામ ક્ષેત્રે એક ‘આદર્શ ગામ’ તરીકે વિકસાવવા ગ્રામજનોને આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને ગામમાં સ્વચ્છતા, એકતા અને ભાઈચારો જાળવી રાખવા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવી ગામના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા, સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને ગામના વિકાસ પ્રત્યે સામૂહિક ભાગીદારીને સશક્ત ગ્રામ વિકાસની ચાવી ગણાવી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિક પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જીનલબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી, સરપંચ શ્રી રોહિત દેસાઈ, અગ્રણી શ્રી રમેશભાઈ સિંધવ, સ્થાનિક આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સફાઈકર્મીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.