Gujarat

PASA વોરંટની બજવણી ટાળવા ફરાર આરોપી અમદાવાદથી દબોચાયો

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પડાયેલા આરોપીએ પાસા અટકાયતી હુકમની બજવણી ટાળવા માટે મૂળ ઉત્તર પ્રદેશના બાંદાનો અવધબિહારી માતાદિન તિવારી (ઉં.વ. 46) જાહેરનામાનો ભંગ કરી ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે વર્ષ 2014માં સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. ધરપકડથી બચવા માટે તે 12 વર્ષથી નાસતો-ફરતો હતો અને પોલીસને થાપ આપી રહ્યો હતો. આખરે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

UPમાં મજૂરી કરી, ભરૂચ અને અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તપાસમાં સામે આવ્યું છે કે પાસાથી બચવા માટે આરોપી સુરતથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ છુપાવવા નામ બદલી નાખ્યું હતું અને અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. ત્યારબાદ તે મેરઠ જઈને મજૂરી કામ કરવા લાગ્યો હતો. થોડા સમય પછી તે ગુજરાત પરત ફર્યો અને ભરૂચના દહેજ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી દીધી હતી. છેલ્લા 6 વર્ષથી તે અમદાવાદમાં સ્થાયી થયો હતો અને હાલ થલતેજ સ્થિત જોઈન પ્રાઇમ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી સામાન્ય જીવન જીવી રહ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ પહોંચી આરોપીને દબોચ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે 12 વર્ષથી વોન્ટેડ અવધબિહારી તિવારી અમદાવાદના થલતેજ ખાતે છુપાયેલો છે. માહિતીની ખરાઈ કરી ટીમે અમદાવાદ પહોંચી ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો. વર્ષ 2014થી કાયદાની આંખમાં ધૂળ નાખી ફરાર રહેલા આ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેનો કબજો લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.