Gujarat

સાણંદના સનાથલની સીમમાં 1.72 લાખ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાબંધી કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે સાણંદ અને અસલાલી ડિવિઝન હેઠળના કુલ 7 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

સાણંદ તાલુકાના સનાથલ ગામની સીમ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બંને ડિવિઝનના કુલ 146 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલી 1,72,678 બોટલો, જેની કુલ કિંમત રૂ.5,05,05,175 થાય છે, તેના પર રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો.

આ કાર્યવાહી વખતે સાણંદના એસડીએમ સંકેત પટેલ, ડીવાયએસપી નિલમ ગોસ્વામી,પ્રોહિ. એન્ડ એક્સાઇઝ અધિકારી ડી. કે. મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

2 ડિવિઝનના કુલ 146 દારૂના કેસો, કુલ કિં. 5.05 કરોડનો મુદ્દામાલનો નાશ પોલીસ સ્ટેશન વાઈઝ જોઈએ તો સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા માત્ર 12 કેસોમાંથી જ સૌથી વધુ ₹1,96,06,140ની કિંમતની 44,678 બોટલો જપ્ત થઈ હતી.

આ ઉપરાંત ચાંગોદર પોલીસે 4 કેસમાં ₹ 73.82 લાખનો, બોપલ પોલીસે 54 કેસમાં ₹20.70 લાખનો અને સાણંદ પોલીસે 23 કેસમાં ₹18.37 લાખનો દારૂ ઝડપ્યો હતો.