National

અમેરિકી દૂત સર્જિયો ગોરે મણિપુરની મુલાકાત લીધી; રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે શુક્રવારે ઇમ્ફાલમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ સાથે મુલાકાત કરી હતી.

દિવસની શરૂઆતમાં, ગોરે ઐતિહાસિક કાંગલા કિલ્લાની મુલાકાત લીધી હતી, જે ભૂતકાળના મણિપુર રાજ્યનું પ્રાચીન રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. તેમણે મહિલાઓ દ્વારા સંચાલિત પ્રખ્યાત ‘ખ્વાઇરામબંદ એમા કેઇથેલ‘ બજારની પણ મુલાકાત લીધી હતી.

મણિપુર સરકારના સૂત્રોએ NDTVને જણાવ્યું હતું કે અમેરિકન રાજદૂત રાજધાની શહેરમાં રાત્રિ રોકાણ કરશે.

રાજ્યસભાના સાંસદ, ભૂતપૂર્વ વિદેશ સચિવ અને અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત હર્ષ વર્ધન શ્રિંગલાના વ્યક્તિગત આમંત્રણને પગલે ગોરે ગુરુવારે દાર્જિલિંગની મુલાકાત લીધી હતી.

ગોરે લખ્યું, “જ્યારે હું પહેલીવાર ભારત આવ્યો, ત્યારે મારું ઉષ્માભર્યું સ્વાગત કરનારા પ્રથમ લોકોમાંના એક @harshvshringla હતા. તેમણે મને દાર્જિલિંગમાં તેમના ઘરે અને મતવિસ્તારની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આજે આખરે મને દેશના સૌથી સુંદર વિસ્તારોમાંના એકમાં તેમની સાથે દિવસ વિતાવવાની તક મળી. જાે તમે ક્યારેય ત્યાં ગયા ન હોવ, તો તેને તમારી યાદીમાં સામેલ કરો – ત્યાંના લોકો પ્રેમાળ છે, ઇતિહાસ અદ્ભુત છે, કુદરતી દ્રશ્યો મનોહર છે અને ભોજન અવિસ્મરણીય છે. હું વચન આપું છું કે હું ફરીથી ત્યાં આવીશ.”

અમેરિકન રાજદૂતે પહાડોમાં આવેલા સૌથી જૂના ચાના બગીચાઓમાંના એકમાં આ ક્ષેત્રના સમૃદ્ધ વારસાનો અનુભવ પણ કર્યો હતો.

લીલાછમ બગીચાઓની તસવીર શેર કરતા રાજદૂત ગોરે લખ્યું, “દાર્જિલિંગમાં હોવું ખૂબ સરસ છે! મારી મુલાકાતની શરૂઆત આ ક્ષેત્રની સૌથી પ્રખ્યાત પરંપરાઓમાંની એક સાથે કરી – ઐતિહાસિક @MakaibariTea એસ્ટેટની મુલાકાત અને અલબત્ત, વિશ્વ-પ્રસિદ્ધ દાર્જિલિંગ ચાનો એક કપ.”