આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ગોવામાં વિજય સરદેસાઈના નેતૃત્વવાળી ‘ગોવા ફોરવર્ડ પાર્ટી‘ સાથે ગઠબંધન કરીને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી લડશે અને ભારતીય જનતા પાર્ટી ને સત્તા પરથી હટાવશે.
અરવિંદ કેજરીવાલે આ ગઠબંધનને ‘ગોવા ફર્સ્ટ‘ નામ આપ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ છે, જેના હેઠળ કોંગ્રેસ ભાજપને રાજ્યમાં સત્તા જાળવી રાખવામાં મદદ કરી રહી છે, ભલે જનતાનો જનાદેશ તેમની વિરુદ્ધ હોય.
તેમણે આરોપ લગાવ્યો કે ૨૦૧૭ની ચૂંટણીમાં જનતાનો જનાદેશ ભાજપની વિરુદ્ધ હતો અને લોકોએ કોંગ્રેસને મત આપ્યો હતો; તેમ છતાં, કોંગ્રેસે તેના ધારાસભ્યોને ભાજપમાં મોકલીને તેમને સરકાર બનાવવામાં મદદ કરી હતી. તેમણે દાવો કર્યો કે ૨૦૨૨માં પણ કોંગ્રેસે ભાજપને સત્તા જાળવી રાખવા માટે જરૂરી સંખ્યાબળ પૂરું પાડ્યું હતું.
“લોકો સાથે બે વાર દગો થયો છે. જાેકે, તેઓ ફરીથી દગો સહન કરવાના મૂડમાં નથી. લોકો વિકલ્પો ઈચ્છે છે. એક તરફ કોંગ્રેસ છે… કોંગ્રેસે હંમેશા ભાજપને મદદ કરી છે. તેઓ જાહેરમાં એકબીજા પર પ્રહારો કરે છે, પરંતુ તેમની વચ્ચે સાંઠગાંઠ છે. ભાજપના એકમમાં એવા ઘણા લોકો છે જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે. તે બધા ભ્રષ્ટ છે,” તેમણે કહ્યું.
“ભાજપ જાણે છે કે તેઓ ૨૦૨૭માં હારી જશે, પરંતુ તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસ તેમને સત્તા જાળવી રાખવામાં મદદ કરશે. જાેકે, લોકો આ બદલવા માંગે છે. અત્યાર સુધી લોકો પાસે કોઈ વાસ્તવિક વિકલ્પ નહોતો. પરંતુ હવે તેમની પાસે ‘ગોવા ફર્સ્ટ‘ તરીકે એક મજબૂત વિકલ્પ છે. જેઓ ભાજપ અને કોંગ્રેસને હરાવવા માંગે છે તેઓ અમને મત આપી શકે છે,” તેમણે ઉમેર્યું.
દરમિયાન, સરદેસાઈએ કહ્યું કે ‘ગોવા ફર્સ્ટ‘ ગઠબંધન ગોવાના લોકો માટે એક વિકલ્પ છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ પાસે સ્પષ્ટ જનાદેશ નથી, પરંતુ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો તેમના પક્ષમાં જાેડાયા બાદ તેમણે વિધાનસભામાં બળજબરીપૂર્વક કાયદાઓ પસાર કરાવ્યા છે. “ગોવાના લોકો સાથે છેતરપિંડી થઈ છે. કોંગ્રેસના મતદારો સાથે છેતરપિંડી થઈ છે કારણ કે તેમણે કોંગ્રેસને મત આપ્યો હતો, પરંતુ તેમને ભાજપના ધારાસભ્ય મળ્યા. આમ, એકંદરે કોંગ્રેસ અને ભાજપના વફાદાર મતદારો સાથે છેતરપિંડી થઈ છે. અમે નથી ઈચ્છતા કે ગોવાના લોકો ત્રીજી વખત છેતરાય,” તેમ સરદેસાઈએ મીડિયા બ્રીફિંગમાં કહ્યું.
ગોવામાં આવતા વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

