Sports

આગામી રણજી ટ્રોફી સીઝન માટે મોહમ્મદ સિરાજ હૈદરાબાદના નવા કેપ્ટન તરીકે નિયુક્ત

મોહમ્મદ સિરાજ ૨૦૨૬-૨૭ રણજી ટ્રોફી સીઝનમાં હૈદરાબાદની ટીમનું નેતૃત્વ કરશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે સાથી ઝડપી બોલર ચામા મિલિંદની ટીમના વાઇસ-કેપ્ટન તરીકે પણ નિમણૂક કરી છે. હાલમાં, ટીમ ૧૧ ઓક્ટોબરે ત્રિપુરા સામેની તેમની શરૂઆતની મેચ માટે તૈયારી કરી રહી છે. ટીમને ‘એલિટ ગ્રુપ બી‘માં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તેનો સામનો સૌરાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને આસામ સામે પણ થશે.

દરમિયાન, દલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન માટે રમ્યા બાદ કેપ્ટનપદની આ જવાબદારી સિરાજને સ્થાનિક ક્રિકેટમાં નેતૃત્વની નવી ભૂમિકા પૂરી પાડે છે. તે ટુર્નામેન્ટ દરમિયાન તિલક વર્માના નેતૃત્વ હેઠળ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો હતો.

તાજેતરમાં, સિરાજની બોલિંગની ગતિ અને તેના પરના વર્કલોડ (કાર્યભાર) અંગે પણ ચર્ચા થઈ છે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન, તેની બોલિંગની ગતિ ઘટીને ૧૨૦ કિમી/કલાકની આસપાસ રહી હતી, જે તેની સામાન્ય ૧૪૦ કિમી/કલાકની ગતિ કરતા ઓછી હતી. બે મેચની શ્રેણીમાં તેણે ૪૪ ઓવર નાખી હતી અને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિરાજે બે મહિનાના વિરામ બાદ લય (રિધમ) પાછી મેળવવામાં થયેલી મુશ્કેલીને તેનું કારણ ગણાવ્યું હતું.

ચેન્નાઈમાં દલીપ ટ્રોફીની ફાઈનલ બાદ સિરાજે કહ્યું, “બે મહિનાના વિરામ બાદ સીધા મેચમાં રમવાને કારણે મારી લય બરાબર જળવાઈ નહોતી. હું સંપૂર્ણપણે લય પર આધારિત બોલર છું. જાે હું યોગ્ય લયમાં ન હોઉં, તો હું ક્રિઝ પરથી પૂરી તાકાત સાથે બોલિંગ કરી શકતો નથી.”

શ્રીલંકા શ્રેણી દરમિયાનની મુશ્કેલીઓ વિશે સિરાજની વાત

તેણે શ્રીલંકા સામેની મેચો દરમિયાન તેના ‘રન-અપ‘માં પડેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેણે ઉમેર્યું, “શ્રીલંકામાં એ જ સમસ્યા હતી – મારો રન-અપ અસંતુલિત લાગતો હતો. કેટલાક ડગલાં ખૂબ ટૂંકા હતા તો કેટલાક ખૂબ લાંબા હતા, જેના કારણે મારો પ્રવાહ (ફ્લો) તૂટી ગયો અને મારી ગતિ પર અસર પડી.”

જાેકે, દલીપ ટ્રોફીની ફાઈનલે સિરાજને સંકેત આપ્યો કે તેની લય પાછી આવી રહી છે. વ્યસ્ત કાર્યક્રમ અને પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં, તેણે કહ્યું કે આ ટુર્નામેન્ટથી તેને આગામી પડકારો પહેલાં તેનો લય પાછો મેળવવામાં મદદ મળી છે. “અહીં બધું જ બરાબર ગોઠવાઈ ગયું અને રમતની ગતિ પણ સહજ રીતે જળવાઈ રહી. હા, તે ખૂબ જ મુશ્કેલ હતું. અમે સીધા શ્રીલંકાથી આવ્યા હતા, જ્યાં બીજી ટેસ્ટ (કોલંબોમાં) દરમિયાન અમે સાડા ત્રણ દિવસ સુધી ફિલ્ડિંગ કરી હતી અને એક અઠવાડિયાની અંદર જ અમે અહીં ચેન્નાઈની કાળઝાળ ગરમીમાં રમી રહ્યા હતા,” એમ તેમણે કહ્યું.

સિરાજે ભારત માટે રમતી વખતે પ્રતિબદ્ધતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. “પરંતુ મારા માટે, મુખ્ય બાબત જુસ્સો છે. જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોવ, ત્યારે તમે બહાનાં ન બનાવી શકો. તમારે તમારી ટીમ અને દેશ માટે પૂરી તાકાત લગાવીને રમવું પડે છે,” એમ તેમણે ઉમેર્યું.