Gujarat

“સેવા સંકલ્પ અભિયાન”

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનો પ્રારંભ

શિક્ષણમંત્રી શ્રી ડૉ .પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરીયાએ લીલી ઝંડી આપી બાઈક યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત રાજ્યમાં એક સાથે ચાર જગ્યાઓથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત મંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં આજે સવારે વરૂણદેવના ઝરમર અમીછાંટડા વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મંદિરના પટાંગણમાંથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે દેશના ૧૨ જ્યોતિર્લિંગનો મહિમામંડન કરતાં ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ: ‘શ્લોકનો ઉલ્લેખ કરી શિક્ષણમંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન શ્રી સોમનાથનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. ત્યારે આ પવિત્ર ભૂમિમાંથી શરૂ થયેલી બાઈક રેલીના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અંતર્ગત આ બાઈક રેલી ભારતની આસ્થા અને ગુજરાતની અસ્મિતા એવા પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે થી વડનગર સુધી જશે.

મંત્રીશ્રીએ તમામ બાઈકર્સની સુરક્ષા અને સલામતીની કામના કરી આ બાઈક રેલી દ્વારા જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ અને વિકસિત ભારતનો સંકલ્પ પહોંચાડશે તેમ જ ‘વિરાસત થી વિકાસ‘, ‘સંકલ્પ થી સિદ્ધિ‘નો મંત્ર લઈ બીજા તબક્કામાં ગુજરાતના ગૌરવવંતા વડનગર થી ભારતના ગૌરવ એવા વારાણસી સુધીની આ બાઈક યાત્રા જન-જનમાં સાંસ્કૃતિક ચેતના જગાવશે અને વિવિધ સેવાકીય કાર્યોથી સંકલ્પબદ્ધ થશે.

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આ તકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે, આ માત્ર એક બાઈક રેલી નહી, પરંતુ સેવાની જ્યોત પ્રગટાવનાર રેલી બની રહેશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ સહિત રાજ્યના અન્ય ચાર પવિત્ર યાત્રાધામો ઉનાઈ માતાજી મંદિર, પાવાગઢ, શામળાજીથી સેવાયાત્રા બાઈક રેલીનો પ્રારંભ આજે રાજ્ય મંત્રીમંડળના વિવિધ સભ્યોના હસ્તે થયો છે.

આ બાઈક યાત્રાઓ વડનગર પહોંચ્યા બાદ બીજા તબક્કાની યાત્રાનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ વડનગર થી વારાણસી માટે પ્રસ્થાન કરાવશે. આ દરમિયાન વડનગર ખાતે મહાઆરતી અને જલાભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સેવા અને સંકલ્પ સાથે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણેથી નીકળેલી આ સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી તમામ પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરવામાં આવશે. વારાણસી ખાતે યાત્રાના સમાપન સમયે આ પવિત્ર જળથી બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરીને રાષ્ટ્રના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે, એમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના ૨૦ જિલ્લા ૧૩૦ ગામડાઓમાંથી આ યાત્રા પસાર થશે. આ પ્રવાસ દરમિયાન અનેક યુવાનો પોતાના સમયના યોગદાન દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓમાં જાેડાશે.

આ કાર્યક્રમમાં પ્રસંગોચિત ઉદબોધન પ્રશાંતભાઈ કોરાટે તથા મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડૉ.સંજયભાઈ પરમારે અને આભારવિધિ શ્રી અનિલભાઈ જેઠવાએ કરી હતી.

“સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનું કિડિવાવ ખાતે ઢોલ-નગારા અને શરણાઈના સૂરો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રો અને મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી સાહિત્યનું વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર, લોકસભા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય સવર્શ્રી ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી સવર્શ્રી ભાવનાબહેન હીરપરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વિશાલભાઈ વોરા, ભાવનાબહેન હીરપરા, ભરતભાઈ વાળા, કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, પોલીસવડા શ્રી જયદિપસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, સોમનાથ મંદિરના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના પદ અધકારીઓઅ-અધિકારીઓ, શ્રદ્ધાળુઓ, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.