જીલ્લાના શાપર-વેરાવળ પાસે ઇન્ડસ્ટ્રીયલ ભાગમાં જે.કે. પોલીમર્સ નામની એક કંપનીમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કાચો માલ સંગ્રહિત હોવાથી આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આજ્ઞા બનાવ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રવિવારે સવારે અંદાજિત સાડા પાંચ વાગ્યે શાપર-વેરાવળ ફાયર બ્રિગેડને આગ અંગેનો કોલ મળ્યો હતો. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જાેકે આગની તીવ્રતા સતત વધતી હોવાથી રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટની ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ વિકરાળ હોવાથી ગોંડલ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.
જે.કે. પોલીમર્સ કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો માલ આગની ઝપેટમાં આવતાં ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જાેવા મળ્યા હતા. ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, આગ એટલી વિકરાળ હતી કે તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા ફાયર વિભાગને એકથી દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનામાં કંપનીનો મોટા પ્રમાણમાં સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જાેકે આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ નુકસાનનો સત્તાવાર આંકડો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
આગના આ ભયાનક બનાવમાં સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ હોવાની હાલ કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

