જામનગર શહેર અને જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આઠ કલાકમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ધોધમાર વરસાદના કારણે નવાગામ ઘેડ તેમજ વોર્ડ નંબર 2 અને 4 ના રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરમાં મોસમનો આ પ્રથમ ભારે વરસાદ હતો. આ વરસાદથી મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખામીઓ સામે આવી હતી. હાલ શહેરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી વિવિધ ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ઉત્સવમાં થોડા સમય માટે વિક્ષેપ પડ્યો હતો.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે (તા. 14/09 સવારે 6:00 થી તા. 15/09/2026 સવારે 6:00 વાગ્યા સુધી):
- જામનગર: 142 મિમી (5.59 ઇંચ)
- જોડિયા: 70 મિમી (2.75 ઇંચ)
- જામજોધપુર: 63 મિમી (2.48 ઇંચ)
- ધ્રોલ: 58 મિમી (2.28 ઇંચ)
- લાલપુર: 34 મિમી (1.33 ઇંચ)
- કાલાવડ: 17 મિમી (0.66 ઇંચ)

