ગીરસોમનાથ જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી-નાળા ફરી વહેતા થયા છે. છેલ્લા 24 કલાકમાં, સવારે 6 વાગ્યા સુધીમાં, જિલ્લામાં 22થી 138 MM સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉના તાલુકામાં 138 MM (સાડા 5 ઈંચ) અને તાલાલામાં 98 MM (4 ઈંચ) નોંધાયો છે.
જિલ્લાના વરસાદના આંકડા મુજબ, ગીરગઢડામાં 22 MM, વેરાવળમાં 31 MM, સુત્રાપાડામાં 36 MM, કોડીનારમાં 69 MM, તાલાલામાં 98 MM અને ઉનામાં 138 MM વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઉના-ગીરગઢડા અને તાલાલા-ગીર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે રહ્યું છે.
તાલાલાના ઉમરેઠી ગામ પાસે આવેલા હિરણ-2 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 24 કલાકમાં સાડા 5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખીરધાર અને ધણેજ પાસેથી પસાર થતી આંબાકુઈ નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના પાણીથી તાલાલા-ખીરધાર રસ્તો બંધ થઈ ગયો છે. આંબાકુઈ નદીનું પાણી ગલીયાવાડ પાસે હિરણ નદીમાં ભળીને હિરણ-2 ડેમ તરફ પહોંચી રહ્યું છે, જેનાથી ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.

