Gujarat

ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખા દ્વારા અભિયાન; નાગરિકોને જતન કરવા અને સહયોગ આપવા અપીલ

ભારત વિકાસ પરિષદ સિદ્ધમ શાખા પાટણ દ્વારા શહેરના મુખ્ય હાઈવેના ડીવાઈડરોમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. આ અંતર્ગત પાટણ-રૂણી માર્ગના ડીવાઈડરમાં 85 વૃક્ષોનું પાંજરા સાથે રોપણ કરવામાં આવ્યું છે. સંસ્થાએ નાગરિકોને વૃક્ષોના જતન માટે સહયોગ આપવા અપીલ કરી છે. આ અભિયાન શહેરની સુંદરતા વધારવા અને પર્યાવરણનું જતન કરવા માટે શરૂ કરાયું છે. પાટણથી રૂણી ઉપરાંત પાટણથી રાજપુર અને કુંભેર તરફના રોડ પર પણ વૃક્ષારોપણ કરવાની યોજના છે.

પાટણથી રૂણી માર્ગના ડીવાઈડરમાં સરગવો અને અન્ય પ્રકારના કુલ 85 ઝાડ પાંજરા સાથે વાવવામાં આવ્યા છે. સંસ્થા ઈચ્છે છે કે આ વૃક્ષોનું યોગ્ય જતન અને જાળવણી થાય, તેથી સ્થાનિક પ્રજાજનો અને નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરાઈ છે. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું કે, દરેક વૃક્ષ પાછળ ચોક્કસ ખર્ચ થાય છે. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરવું અને પાટણ શહેરની શોભા વધારવાનો છે.

તેમણે નાગરિકોને પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે પરિવારના અન્ય સામાજિક પ્રસંગો નિમિત્તે આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈ સંસ્થાના કાર્યમાં યોગદાન આપવા નમ્ર વિનંતી કરી છે.