આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 વર્ષ જૂના ક્રિકેટ સટ્ટાના એક કેસમાં નાસતો ફરતો પાટણનો મુખ્ય આરોપી કમલેશ ઠક્કર ઉર્ફે કે.ટી. જાપાનને સ્થાનિક LCB ટીમે પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાંથી પકડ્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને આણંદ પોલીસને સોંપવાની તૈયારી ચાલી રહી છે. આણંદ પોલીસ સ્ટેશનમાં માર્ચ 2022માં IPL મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટા અંગેનો ગુનો નોંધાયો હતો. તે સમયે આણંદ-વિદ્યાનગર રોડ પર કારમાં બેસીને ‘પર્લ 999’ અને ‘ક્રિકેટ લાઈન ગુરુ’ જેવી એપ્સથી ઓનલાઈન સટ્ટો રમાડતા ત્રણ લોકોને મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા લોકો સટ્ટાની હાર-જીતનો હિસાબ પાટણના કમલેશ ઠક્કર અને રવી ઠક્કરને આપતા હતા. આ બંને પાટણના લોકો સટ્ટાનું મોટું નેટવર્ક ચલાવવામાં મદદ કરતા હોવાનું ખુલ્યું હતું. ઘટના બાદથી જ કમલેશ ઠક્કર અને રવી ઠક્કર પોલીસથી બચીને ફરાર હતા.
પાટણ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન LCB ટીમને બાતમી મળી હતી કે આણંદના કેસમાં નાસતો ફરતો કમલેશ ઉર્ફે કે.ટી. જાપાન જયંતિભાઈ ઠક્કર (રહે. મૂળ અલ્કાપુરી સોસાયટી, હાલ પ્રિન્સ પેલેસ સોસાયટી, કેનાલ રોડ, પાટણ) પાટણ લીલીવાડીની આસોપાલવ હોટેલના પાર્કિંગ પાસે છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને તેને પકડ્યો હતો.

