Gujarat

કુંભારવાડામાં જુગાર રમતી 15 મહિલા સહિત 16 ઝડપાયા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અક્ષરપાર્કમાં બોરતળાવ પોલીસ ટીમે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતાં મહિલાઓ અને 1 પુરુષને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષરપાર્કમાં આવેલી સરકારી સ્કૂલ સામે શેરી નંબર 29માં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક પુરુષો અને સ્ત્રીઓ એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સરપ્રાઇઝ રેડ કરી હતી.

રૂ. 22,900ની રોકડ સાથે 16 સામે ગુનો નોંધાયો દરોડા દરમિયાન હાર-જીતનો જુગાર રમતા જયેશ અરજણભાઈ રાઠોડ અને અક્ષરપાર્કની 15 મહિલાઓ ગોળકુંડાળું વાળીને રમતી ઝડપાઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 22,900ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું. પકડાયેલી મહિલાઓને સંધ્યા સમયને કારણે અટકાયત ન કરી પોલીસ મથકે હાજર રહેવાની તાકીદ કરાઈ હતી. પોલીસે 16 શખસો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.