Gujarat

રાજકોટમાં પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ

રાજકોટ શહેરના શ્રધ્ધા પાર્કમાં માવતરના ઘેર રહેતા પરિણીતાને દહેજના મામલે પતિ સહીતના સાસરીયાઓ દ્વારા મારકુટ કરી ત્રાસ આપતા હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પતિ દ્વારા તારા બાપથી તું સચવાઈ નહીં હવે મારે તને સાચવવાની કહી પત્નીને માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવતા હાલ મહિલા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના શ્રધ્ધાપાર્કમાં રહેતા રિધ્ધીબેન ભાવેશભાઈ દૂધાત્રાએ તેના પતિ ભાવેશ, સાસુ લક્ષ્મીબેન, સસરા ડાયાભાઈ નાગજીભાઈ દુધાત્રા, જેઠ ગીરીશ અને જેઠાણી કાજલ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તે 10 વર્ષ પહેલા તેઓએ પરીવારની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્રણ મહિના ઘરસંસાર સરખો ચાલ્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં તફાવત હોવાથી મનમેળ રહેતો ન હતો.

ત્યારબાદ પ્રેગનન્સી રહેતા પતિએ નાની-નાની વાતમાં મેણાટોણા મારવાનું શરૂ કરી “તારા બાપે મને ઉપાધી આપી છે, તારા બાપથી તું ન સચવાણી અને હવે મારે તને સાચવવાની’ કહી માર પણ માર્યો હતો. પુત્રનો જન્મ થયા બાદ સાસુ પણ “તને કાંઈ આવડતું નથી, અમારા પર બોજ છો’ના મેણાં મારવામાં આવતા તો સસરા દ્વારા “આ રિદ્ધિ રસોઈ બનાવશે તો હું નહીં જમું અને એને કાંઈ આવડતું નથી, ખાલી રખડતાં જ આવડે છે કહી હેરાન કરતા હતા.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, જેઠ-જેઠાણી પણ પતિને ચઢામણી કરી કહેતા કે તું અમારા ઉપર પડી છો, અમારા ઘરને બરબાદ કરવા આવી છો. પતિ ઘરખર્ચ આપતો ન હોવાથી ઘરે બેસી ઈમિટેશનનું કામ પણ શરૂ કર્યું હતું. જેઠ અને જેઠાણીએ કામ બાબતે મારકુટ કરતા તેના પતિને વાત કરતા તેને કોઈ જવાબ ન આપ્યો જેથી પિયરમાં વાત કરતા ભાઈ પરિણીતા અને તેના પુત્રને તેડી ગયા હતા.