જસદણમાં અબોલ પશુઓ પર ક્રૂરતાની તમામ હદો વટાવી દેતી વધુ એક શરમજનક ઘટના સામે આવી હતી. પવિત્ર ઋષિ પંચમીના મહાપર્વ નિમિત્તે જ અજાણ્યા અસામાજિક શખ્સોએ એક નંદી મહારાજ પર અત્યંત ક્રૂરતાપૂર્વક એસિડ એટેક કર્યો હતો. આ ભયાનક હુમલાને કારણે ગૌવંશ ગંભીર રીતે દાઝી જતાં અસહ્ય પીડામાં તરફડી રહ્યો હતો. શહેરમાં ગૌવંશ પર એસિડ ફેંકવાની આ સતત સાતમી ઘટના હોવાનું સામે આવતાં સ્થાનિક ગૌપ્રેમીઓ અને નગરજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.
સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારોની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અવારનવાર આવી અમાનવીય ઘટનાઓ બનતી હોવા છતાં સરકારી તંત્ર કે પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બીજી તરફ, આવા ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનોનું મૌન પણ ચર્ચાનો વિષય બન્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ ગૌસેવા ટીમ તથા લાલભાઈ મહારાજ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ પીડા ભોગવી રહેલા નંદીનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી વધુ દેખભાળ માટે શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

