ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં ગત રાત્રે સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસે પોતે અહીંના ‘ડોન’ હોવાનો રોફ જમાવી એક શ્રમિક યુવક અને તેના મિત્રને છરી બતાવી લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો છે. આ અંગે શ્રમિક યુવકે બોરતળાવ પોલીસ મથકમાં બે શખસ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.
રિલ્સ જોઈ રહેલા શ્રમિકોને છરી બતાવી રોફ જમાવ્યો મૂળ મધ્યપ્રદેશના અને ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે રહી મજૂરી કામ કરતા નિલેશ મનોહરી ઉઈકે (ઉં.વ.19) અને તેનો મિત્ર ગત રાત્રે ઘર નજીક મામાના ઓટલે મોબાઈલમાં રિલ્સ જોઈ રહ્યા હતા. તે સમયે સ્વિફ્ટ કાર (GJ 04 FA 3014)માં નાનું ચુડાસમા અને તેનો એક અજાણ્યો સાગરીત આવ્યા હતા. કારમાંથી ઉતરીને નાનું ચુડાસમાએ શ્રમિકનો કોલર પકડી ગાળો આપી મોબાઈલ આંચકી લીધો હતો.
ત્યારબાદ “મને ઓળખે છે? હું નાનું ચુડાસમા અહીંનો ડોન છું” તેમ કહી છરી બતાવી ધમકી આપી હતી. જીવતા રહેવું હોય તો પૈસા આપી દેવાનું કહી શ્રમિકના ખિસ્સામાંથી રૂ.2,350 કાઢી લીધા હતા. તેના મિત્ર પાસે પૈસા ન મળતાં તેને પણ બે લાફા મારી “અહીં રહેવું હોય તો નાનું ચુડાસમા ડોનનો હુકમ માનવો પડશે” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

