સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વચ્ચે જળ સંચયનો અનોખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ઉધના વિસ્તારમાં ₹2 કરોડથી વધુના ખર્ચે એકસાથે 151 બોરવેલ (રેન વોટર હાર્વેસ્ટિંગ)નું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે તેમણે પખવાડિક સ્વચ્છતા કાર્યક્રમ લંબાવીને 17 ઓક્ટોબર સુધી ચલાવવાની જાહેરાત પણ કરી હતી.
₹2.04 કરોડથી વધુના ખર્ચે જળ સંચય ઉધના ઝોનમાં ₹204.81 લાખના ખર્ચે 151 જુદા જુદા સ્થળોએ આધુનિક રેન વોટર હાર્વેસ્ટિંગ બોરવેલ બનાવવામાં આવશે. જળ શક્તિ મંત્રી પાટીલે જણાવ્યું કે વરસાદના પાણીને ઝીલીને જમીનમાં ઉતારવો એ વડાપ્રધાનનો પ્રિય વિષય રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને પાણીની ગુણવત્તા સુધરશે.
સુરતે હંમેશા નવા રેકોર્ડ બનાવ્યા સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીને તંદુરસ્ત આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે સમગ્ર દેશમાં સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે. સુરતમાં યુવા મોરચો રક્તદાન અને મહિલાઓ કુપોષણ સામેની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સેવાકીય ક્ષેત્રે સુરતે હંમેશા નવા રેકોર્ડ બનાવવાની પરંપરા જાળવી રાખી છે.

