Gujarat

સિક્કા નગરપાલિકામાં 1 હજારની લાંચનો મામલો

જામનગર તાલુકાની સિક્કા નગરપાલિકામાં 1 હજાર રૂપિયાની લાંચ માગવાના કેસમાં એસીબીએ કાર્યવાહી કરી છે. મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે લાંચ માગવામાં આવી હતી. આ મામલે નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત બે લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એસીબીના જણાવ્યા મુજબ, સિક્કાના એક વ્યક્તિએ વર્ષ 2018માં મકાન ખરીદ્યું હતું. તેમણે મકાનનો ટેક્સ ભર્યા બાદ દસ્તાવેજમાં પોતાનું અને પત્નીનું નામ ટ્રાન્સફર કરાવી એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાની હતી. આ કામગીરી માટે સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખાના તત્કાલીન સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અતુલકુમાર રમણીકલાલ પંડયા અને કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક નીલેશકુમાર ભુદરદાસ મેસવાણીયાએ 1,000 રૂપિયાની લાંચ માગી હતી.

આ અંગે એસીબી સમક્ષ ફરિયાદ થતાં 7 માર્ચ 2022 અને 8 માર્ચ 2022ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જોકે, બંને વખત આ છટકું નિષ્ફળ રહ્યું હતું. લાંચની રકમ સ્વીકારવામાં આવી ન હતી કે તેની રિકવરી પણ થઈ ન હતી.

ત્યારબાદ સમગ્ર મામલે ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે એસીબીએ જણાવ્યું કે, બંને આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે એકબીજાને મદદ કરીને ફરિયાદી પાસેથી 1,000 રૂપિયાનો ગેરલાભ મેળવવા લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યું હતું. આથી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.