જામનગરની પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડ્યો છે. પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાની દેખરેખ હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ ટીમના એએસઆઈ નિર્મળસિંહ બી. જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જી. જાડેજાને ખાનગી બાતમી મળી હતી.

બાતમી મુજબ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એન.એસ. કલમ ૩૧૬(૨) હેઠળના ગુનામાં ફરાર આરોપી મીલન પ્રવિણ અગ્રાવત ખીજડિયા ગામના પાટિયા પાસે ઊભો હતો. બાતમીના આધારે પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી. ત્યાંથી મીલન પ્રવિણ મગન અગ્રાવત (ઉંમર ૨૬, ધંધો-મજૂરી, રહે. ખીજડિયા ગામ, હવેલી બાજુ, જામનગર) મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના આ ગુનામાં ફરાર હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

