Gujarat

જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મામલે કોંગ્રેસના કોર્પોરેટર મેદાને

રાજકોટ મનપાએ ફેબ્રુઆરીમાં જંગલેશ્વર મેગા ડિમોલિશન કર્યું હતું. જેના ખર્ચને લઈને ભારે વિવાદ થયો હતો. ડિમોલેશન કાર્યમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવતાં મનપા કમિશનરે તપાસ સમિતિની રચના કરી હતી. જોકે આ સમિતિની રચનાને 70 દિવસ કરતા વધારે સમય વીતી જવા છતાં રિપોર્ટ જાહેર કરાયો નથી.

જેને લઈને કોંગ્રેસના વોર્ડ નં-16નાં કોર્પોરેટર ઈબ્રાહીમ સોરા મેદાનમાં આવ્યા છે. અને આગામી ગુરુવાર સુધી તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરવામાં નહીં આવે તો મનપા કચેરીનાં પ્રાંગણમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તેમણે તંત્રની ઢીલી નીતિ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તપાસ કમિટીની રચના થયાને 70 દિવસથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં તપાસના નામે તંત્ર દ્વારા મીંડું જ સાબિત થયું છે.

આટલો લાંબો સમય વિતી જવા છતાં આજદિન સુધી ભ્રષ્ટાચાર અંગેનો એકપણ પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. તેમજ આ બાબતે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આટલો સમય વીતી ગયા પછી પણ તપાસનો રિપોર્ટ ન આવવો તે દર્શાવે છે કે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓને છાવરવાનો અને સમગ્ર મામલા ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરે છે.