રાજકોટ જિલ્લા પંચાયતના સહયોગથી ગોંડલ તાલુકાના અનીડા (ભાલોડી) ગામે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણનું કામ શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે એક ખાસ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ જાડેજાના હાથે આ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાની રજૂઆતો પછી ગુજરાત સરકારે ગોંડલ તાલુકા માટે કુલ 22 નવા ગ્રામ પંચાયત ભવન મંજૂર કર્યા છે. રાજ્ય સરકારે દરેક ગ્રામ પંચાયત ભવન માટે 25 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ વિકાસના કામોના ભાગરૂપે અનીડા ગામમાં બનનારા આધુનિક પંચાયત ભવનનું ખાતમુહૂર્ત થયું છે.
આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય પ્રતિનિધિ ગણેશભાઈ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર હાજર રહ્યા હતા. તેમની સાથે સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યો, ગામના વડીલો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત હતા.

આ નવું ભવન બનવાથી અનીડા અને આસપાસના ગ્રામજનોને પંચાયતના કામો માટે સારી સુવિધાઓ મળશે.

