Gujarat

સંવેદનશીલ વિસ્તારોમાં અભેદ્ય સુરક્ષા કોર્ડન, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે

ગણેશ ચતુર્થીના સાતમા દિવસે વડોદરાની ઐતિહાસિક ‘જુનીગઢીના ગણપતિ’ની વિસર્જન યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. યાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ, આયોજકો સાથે બેઠક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડોમિનેશન બાદ વિસર્જન યાત્રા દરમિયાન આગળ-પાછળ, ફ્લૅન્ક, ડી-પોઇન્ટ, ધાબા પોઇન્ટ સહિતના તમામ મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થામાં એક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, 6 ડીસીપી, 1 ડઝનથી વધુ એસીપી, 100થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ CAPF અને SRPF ની વિવિધ કંપનીઓ તૈનાત રહેશે.

પોલીસ કમિશનરે રૂટ સેનિટાઇઝેશન અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીના સાતમા દિવસે “જુનીગઢી મિત્ર મંડળ” દ્વારા આયોજિત ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે મંડળના આયોજકો સાથે બેઠક, સમગ્ર યાત્રા માર્ગનું ફિઝિકલ નિરીક્ષણ, રૂટનું સેનિટાઇઝેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફ્લેગમાર્ચ તથા સ્થાનિક શાંતિ સમિતિના અગ્રણીઓ સાથે બેઠકો યોજી સંકલન સાધવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડી-પોઇન્ટ અને ધાબા પોઇન્ટ પર ખાસ સ્ટાફ ગોઠવી દેવાયો છે.

BSF, CISF, RAF અને ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમો તૈનાત પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની સુગમતા માટે વિશાળ ક્રેન, લોજિસ્ટિક્સ અને સહાયક મશીનરી સજ્જ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા 1 જેસીપી, 6 ડીસીપી, 1 ડઝનથી વધુ એસીપી, 100થી વધુ પીઆઈ-પીએસઆઈ તેમજ ડીસીબી, એસઓજી અને પીસીબીની સ્પેશિયલાઇઝ્ડ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. પેરા-મિલિટરી ફોર્સ તરીકે CAPF ની 4 કંપનીઓ (BSF, CISF, RAF) અને SRPF ની 5 કંપનીઓ બંદોબસ્તમાં સામેલ રહેશે.