Gujarat

નોકરીના ચાર દિવસમાં જ કારીગર શેઠનું 20 લાખનું સોનુ લઈને નાસી ગયા

માધુપુરા માર્કેટમાં સોના ચાંદીનું કામ કરતા એક વેપારીએ કારીગરને સોનામાંથી દાગીના બનાવવા આપ્યા હતા.વેપારીએ 12 સપ્ટેમ્બરે જ કારીગરોને કામ પર રાખ્યા હતા અને 16 સપ્ટેમ્બરે તો બંને કારીગર દુકાનનું 20 લાખનું સોનુ લઈને ફરાર થઈ ગયા હતા. જેમાંથી એક કારીગર સોનુ લઈને જતો પણ સીસીટીવીમાં દેખાય છે. જે અંગે વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા વિવેક નાગોરીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના એક કારીગર મારફતે 12 સપ્ટેમ્બરે મૂળ પશ્ચિમ બંગાળના કારીગર સાબિરઅલી શેખ અને આરફીનલી શેખને કામ પર રાખ્યા હતા.બંને કારીગર માધુપુરા માર્કેટમાં આવેલી વિવેકભાઈની દુકાને કામ કરતા અને રાતે એક દુકાનના બીજા માળે રોકાતા હતા. 16 સપ્ટેમ્બરે વિવેકભાઈએ બંને કારીગરોને 270 ગ્રામ કાચું સોનું જોબવર્ક માટે આપ્યું હતું.

રાત્રે 9 વાગ્યા આસપાસ બંને કારીગરોએ વિવેકભાઇને અડધો દાગીનો ઘડ્યા વગર એક ડબ્બામાં મૂકીને પરત આપ્યો હતો.બંને કારીગરો વિવેકભાઈ સાથે વાતચીત કરવા લાગ્યા હતા, જેથી કેટલું છે સોનુ તે સરખું વિવેકભાઈ તપાસી શક્યા નહોતા.સોનુ લોકરમાં મૂકી વિવેકભાઈ નીકળી ગયા હતા અને બીજા દિવસે સવારે જ્યારે તેઓ દુકાને આવ્યા ત્યારે બંને કારીગર કામ પર આવ્યા ન હતા.

વિવેકભાઈએ દુકાને જઈને તપાસ કરતા એક કારીગર આરફિન દુકાન પર મળી આવ્યો હતો.આરફીન પણ નાહવા જવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો.થોડીવાર સુધી પરત ના આવતા વિવેકભાઈએ આરફીનને ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

વિવેકભાઈએ લોકરમાં તપાસ કરી તો 150 ગ્રામ જેટલું સોનું જેની કિંમત 20 લાખ રૂપિયા હતી તે ઓછું હતું અને બંને કારીગરનો ફોન પણ બંધ આવતા હતા. ત્યાર બાદ સીસીટીવી તપાસ્યા તો સીસીટીવીમાં તેમનો કારીગર સાબીરઅલી સોનાની ચોરી કરતા દેખાતો હતો જેથી વિવેકભાઈએ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.