ગોધરા સહિત પંચમહાલમાં 14 સપ્ટેમ્બરના રોજ આનંદ ઉત્સાહ સાથે ગણેશ મંડળો સહિત લોકોએ ગણેશજીની સ્થાપના કરી હતી. ગોધરામાં છ દિવસના આતિથ્ય બાદ આજે રવિવારે શહેરની નાની મોટી મળીને 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન રામસાગર અને કનેલાવ તળાવ ખાતે કરવામાં આવશે.
ગોધરાની શાન ગણાતી વિશાળ ગણેશ વિસર્જનયાત્રામાં પ્રથમ શ્રી સાર્વજનીક ગણેશોત્સવ સમીતીના ગણપતિ અભિજીત મુહુર્તમાં પ્રસ્થાન કરશે. ત્યાર બાદ શહેરના વિવિધ મંડળોના ગણપતિ જોડાશે. અને વિસર્જન શોભાયાત્રા પરંપરાગત 3.25 કિમીના રૂટ મુજબ મોચીવાડ, પટેલવાડા, રાણી મસ્જીદ, પોલન બજાર, પોલીસ ચોકી નં 7, મંજુબા ધર્મશાળા, પીંપુટકર ચોક, રણછોડજી મંદિર થઇ રામસાગર તળાવ ખાતે પહોચશે.
શહેરમાં સાંકડા રસ્તા હોવાને કારણે વિસર્જન યાત્રામાં ડી.જે.માં 10 થી વધુ સ્પીકરો નહિ લાવવા તેમજ નિયમ મુજબ ડીજેનો અવાજ રાખવા જણાવાયુ છે. પાલીકા દ્વારા પણ રામસાગર તળાવમાં ગણેશ પ્રતિમાના વિસર્જનને લઇને હોળી ચકલા પાસે લાઇટીંગ, સ્ટેજ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

