બોટાદ, ગઢડા અને ઢસા સહિતના વિસ્તારોમાં NH-51ને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ અને જાહેરાતો થઈ રહી છે. હાઇવે ક્યાંથી પસાર થશે? કયા વિસ્તારની જમીન અસરગ્રસ્ત થશે? કયા સર્વે નંબર પર અસર પડશે? કેટલા અંતરની જમીન પર નિયંત્રણ લાગુ પડશે? જેવા અનેક પ્રશ્નોના ચોક્કસ અને સ્પષ્ટ જવાબની સ્થાનિક જમીનધારકો રાહ જોઈ રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે બોટાદ અને ગઢડા ખાતે જમીનના દસ્તાવેજોની નોંધણીની કામગીરી પર અસર થતાં ખેડૂતો, જમીનધારકો, વેપારીઓ તેમજ અન્ય નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જમીનના ખરીદ-વેચાણ અથવા અન્ય કાયદેસરની કાર્યવાહી માટે દસ્તાવેજ નોંધણી જરૂરી હોય ત્યારે તેની કામગીરી અનિશ્ચિત સમય માટે અટકી જાય તો સામાન્ય નાગરિકને આર્થિક અને વ્યવહારિક મુશ્કેલી પડે છે.
અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો NH-51નો ચોક્કસ રૂટ, સર્વે અને અસરગ્રસ્ત જમીનોની સત્તાવાર ઓળખ ઉપલબ્ધ હોય, તો તમામ જમીનધારકોને એકસમાન રીતે મુશ્કેલીમાં મૂકવાની જરૂર શા માટે પડે?
જો કોઈ ચોક્કસ રૂટ અથવા વિસ્તારની જમીન હાઇવે માટે અસરગ્રસ્ત થવાની હોય, તો સંબંધિત વિભાગ દ્વારા તે વિસ્તારનો ચોક્કસ સર્વે કરીને, અસરગ્રસ્ત જમીનો અને સર્વે નંબરોની સ્પષ્ટ યાદી જાહેર કરવામાં આવે. માત્ર તે જમીનો અંગે જરૂરી કાયદેસર નિયંત્રણ મૂકવામાં આવે, તો અન્ય જમીનધારકોને બિનજરૂરી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.

