બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે ગુજરાતના લાખો પરીક્ષાર્થીઓને સ્પર્ધાત્મક અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે પોતાના જિલ્લામાં જ કેન્દ્ર ફાળવવામાં આવે. આનાથી ઉમેદવારોને મુસાફરી, રહેવા અને જમવાના વધારાના ખર્ચમાંથી રાહત મળશે.
ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું કે TET-TAT સહિતની પરીક્ષાઓમાં ઘણા ઉમેદવારોને પોતાના જિલ્લા બહાર પરીક્ષા કેન્દ્રો મળે છે. આ કારણે ઉમેદવારોને એક દિવસ પહેલા જવું પડે છે. તેમને બસની ટિકિટ, રિઝર્વેશન અને રહેવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને મહિલા ઉમેદવારોને વાલીઓ સાથે જવું પડતું હોવાથી તેમને વધુ આર્થિક અને વ્યવહારુ બોજ પડે છે.
ઉમેશ મકવાણાના કહેવા મુજબ, એક ઉમેદવારને પરીક્ષા આપવા માટે મુસાફરી, હોટલમાં રહેવા અને જમવાના ખર્ચ સહિત આશરે 3,000થી 4,000 રૂપિયાનો ખર્ચ થાય છે. મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે આ ખર્ચ મોટો બોજ બને છે.
આ ખર્ચ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ કરોડો રૂપિયાનો વધારાનો બોજ છે. રજૂઆતમાં TATની મુખ્ય પરીક્ષાના 75,992 ઉમેદવારોનો ઉલ્લેખ કરાયો છે. જો એક ઉમેદવારનો સરેરાશ 3,000 રૂપિયા ખર્ચ ગણવામાં આવે, તો કુલ આશરે 22.79 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. LRDની પરીક્ષામાં 2.63 લાખથી વધુ અને PSIની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારો જોડાયા હતા. આ આંકડાઓ દ્વારા સરકારે ઉમેદવારો પર પડતા મુસાફરી અને રહેવા-જમવાના ખર્ચ પર ધ્યાન આપવા જણાવ્યું છે.

