જૂનાગઢ જિલ્લાના કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પ્રેમપ્રકરણના વિવાદમાં જૂથ અથડામણ અને મારામારી થઈ હતી. આ મામલે કેશોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. એક પરિણીત પ્રેમિકા પર અન્ય સાથે સંબંધ હોવાની શંકાને કારણે આ હિંસક ઝઘડો થયો હતો. પોલીસે પરિણીત પ્રેમી સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે કૃષ્ણનગર વિસ્તારમાં એક પરિણીત મહિલા સાથે સંબંધ ધરાવતા પ્રેમી અને બીજા જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.

થોડી જ વારમાં બંને પક્ષો લાકડીઓ, ધોકા અને લોખંડના પાઈપ વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ મારામારીમાં પ્રેમી સહિત કેટલાક યુવાનો ઘાયલ થયા હતા. જેના કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે આ મામલે ચાર લોકો સામે ગુનાહિત રાયોટિંગ અને હુમલા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી. ફરિયાદના આધારે પોલીસે તરત જ દરોડા પાડીને ઘટનામાં સામેલ મુખ્ય પરિણીત પ્રેમી સહિત ચારેય આરોપીઓને પકડી પાડ્યા. પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે.

