કેબમાં એકલી મુસાફરી કરતી દરેક મહિલા-યુવતી પોતાની જાતને સુરક્ષિત અનુભવે તે દિશામાં ગુજરાત પોલીસે ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેકસી જેવા મુખ્ય કેબ ઓપરેટરો સાથે જોડાણ કર્યુ છે.
આ તમામ ટેકસી સેવા સાથે અંદાજે 35 હજાર કરતાં વધારે વાહન જોડાયેલા છે દરેક કંપનીની ઓનલાઈન એપ્લિકેશનમાં એસઓએસનું બટન છે.
હવે કેબ બુક કરાવનાર મહિલા-યુવતી કે કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશનમાં આ બટન દબાવશે તો ફોન સીધો જ પોલીસ કંટ્રોલ રુમ(112) ઉપર લાગી જશે. જ્યાં જે નંબર પરથી ફોન આવ્યો હશે તેનું લાઈવ લોકેશન સહિતની માહિતી ડિસ્પ્લેમાં દેખાશે.
જેના આધારે પોલીસ તાત્કાલિક તે વાહનને ટ્રેસ કરીને મહિલા – યુવતી સહિતના પેસેન્જરની મદદ માટે પહોંચી જશે. નવરાત્રી પહેલા એટલે કે ગણતરીના દિવસોમાં જ ગૃહ રાજ્યમંત્રી આ એપ્લિકેશન લોન્ચ કરશે.

