Gujarat

અંબાજી જતા પદયાત્રીઓને બાવળા RTOએ રિફ્લેક્ટિવ જેકેટ આપ્યા

ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા માટે બાવળા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા એક પહેલ કરવામાં આવી છે. બાવળા RTO અધિકારી ડી. જી. નાડોદાના માર્ગદર્શન હેઠળ હાઇવે પરથી પસાર થતા પદયાત્રીઓને રાત્રિ દરમિયાન અકસ્માતથી બચાવવા માટે રેડિયમવાળા રિફ્લેક્ટિવ જેકેટનું મફત વિતરણ કરાયું હતું.

ભાદરવી પૂનમ નજીક આવતા જ રાજ્યભરના માર્ગો પર “જય અંબે”ના નારા સાથે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના અંધકારમાં અને વહેલી સવારે હાઇવે પર વાહનોની ગતિ તેજ હોય છે. આવા સમયે રસ્તાની સાઈડમાં ચાલતા પદયાત્રીઓ વાહનચાલકોને સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે. આ જોખમને ઘટાડવા માટે બાવળા RTO તંત્ર દ્વારા આ ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

અધિકારી ડી. જી. નાડોદા અને તેમની ટીમે પદયાત્રીઓને રિફ્લેક્ટિવ જેકેટ પહેરાવવાની સાથે રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે યાત્રાળુઓને હંમેશા રસ્તાની રોંગ સાઈડમાં એટલે કે સામેથી આવતા ટ્રાફિકને જોઈ શકાય તે રીતે ચાલવા કહ્યું હતું.