રાજ્યપાલશ્રીને ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળા અને પરંપરાથી અવગત કરાવવામાં આવ્યા
મહિલા સ્વસહાય જૂથનાં શ્રીમતી શારદાબેન તડવીએ બોન્સાઇ નિર્માણની કળાનું જીવંત નિદર્શન કર્યું
નર્મદાના એકતા નગર ખાતે આયોજિત ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સહભાગી થવા પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે એકતા નગર સ્થિત વામન વૃક્ષ વાટિકા (બોન્સાઇ ગાર્ડન)ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ વામન વૃક્ષ વાટિકાના વિવિધ છ વિભાગોની મુલાકાત લઈને ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળા અને તેની પરંપરા વિશે જાણકારી મેળવી હતી.
રાજ્યપાલશ્રીની મુલાકાત દરમિયાન વાટિકાના ગાઇડ સુશ્રી રેશમા ઘોરીએ ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળાના ઇતિહાસ અને તેના વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વામન વૃક્ષની આ પ્રાચીન કળા ભારતમાંથી ચીન અને ત્યારબાદ જાપાન સુધી પહોંચી હતી, જ્યાં તે ‘બોન્સાઇ’ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત બની.
મુલાકાત દરમિયાન વામન વૃક્ષ વાટિકામાં ઉછેરવામાં આવેલા વિવિધ વૃક્ષો અને છોડની વિશેષતાઓ અંગે પણ રાજ્યપાલશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સમગ્ર વાટિકામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કૃષ્ણકમલ વિશે પણ તેમને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
વામન વૃક્ષ વાટિકાના મહત્વપૂર્ણ વિભાગ ‘મેક યોર ઓન બોન્સાઇ’ ખાતે સ્થાનિક મહિલા સ્વસહાય જૂથનાં શ્રીમતી શારદાબેન તડવીએ રાજ્યપાલશ્રી સમક્ષ બોન્સાઇ બનાવવાની કળાનું જીવંત નિદર્શન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ શ્રીમતી શારદાબેન તડવી પાસેથી બોન્સાઇના નિર્માણની વિવિધ પ્રક્રિયાઓ, વૃક્ષની પસંદગી, આકાર આપવાની પદ્ધતિ તેમજ તેની યોગ્ય જાળવણી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
વામન વૃક્ષ વાટિકાની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતની પ્રાચીન કળા, પ્રકૃતિ અને પરંપરાના સુંદર સમન્વયને નજીકથી નિહાળ્યો હતો.
રાજયપાલશ્રીની મુલાકત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુંનીતીના નાયબ વન સંરક્ષકશ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ,અધિક્ષક ઈજનેરશ્રી અંકિત ગુપ્તા, કાર્યપાલક ઈજનેરશ્રી આશિષ બહુગુણા ઉપસ્થિત રહ્યા હતા.

