શહેરમાં ફરી એકવાર નિવૃત પ્રોફેસર ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે.સાયબર ગઠિયાઓએ પોતે ATS ના અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધના આધારકાર્ડ સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ ચાઇલ્ડ પોનોગ્રાફી અને ગેરકાયદેસર ટ્રાન્જેકશનમાં થયો હોવાનું કહીને ડરાવ્યા હતા.ધરપકડ કરવાનું કહીં સતત વિડિઓ કોલથી નજર રાખીને તપાસના બહાને 16.18 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
ચિરાગ રાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો સિંગરવામાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે 29 ઓગ્સ્ટે તેમને અજાણ્યા નંબર પરથી ચિરાગ રાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ બનારસ પોલીસ હેડ ઓફિસના પોલીસ અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધના આધારકાર્ડથી મોબાઇલ નંબર રજિસ્ટર હોવાનું જણાવ્યું હતું.આ નંબરથી બેન્કમાં ખાતું ખોલાવી કરોડો રૂપિયાના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે ગેમ્બલિંગ જેવી પ્રવૃત્તિમાં તેમનું નામ સંડોવાયેલું હોવાનું કહી તેમની સામે ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું.
ATSના અધિકારીની ઓળખ આપી વાત કરી હતી જે બાદ વોટ્સએપ પર પ્રેમ ગૌતમ નામના વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો હતો. પોલીસના યુનિફોર્મમાં આ વ્યક્તિએ પોતાની ઓળખ ATSના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. તેણે વૃદ્ધને કહ્યું હતું કે આ કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે, પરંતુ તેમની ઉંમર વધારે હોવાથી વીડિયો કોલ મારફતે ઘરે બેસીને ઇન્વેસ્ટિગેશન કરાવી શકાય છે.ગઠીયાઓએ વૃદ્ધને કોઈને આ અંગે જાણ ના કરવા પણ કહ્યું હતું અને સતત વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરીને તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ગત 31 ઓગસ્ટે ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો અને બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યા હતા.

