અમદાવાદમાં ફેસબુક માર્કેટપ્લેસ પરથી મોબાઈલ ખરીદવાની લાલચમાં એક વ્યક્તિએ ₹1.30 લાખ ગુમાવ્યા છે, જ્યારે ક્રેડિટ કાર્ડ એક્ટિવેશનના નામે મોકલેલી લિંક દ્વારા મહિલા સાથે ₹1.81 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ થતાં પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
ફેસબુક માર્કેટપ્લેસ પર સસ્તો ફોન લેવાની લાલચમાં યુવકે ગુમાવ્યા રૂપિયા અમદાવાદના રાણીપમાં રહેતા મુકેશ પટેલે ફેસબુક માર્કેટપ્લેસ પર જયરાજ પટેલ નામના આઈડી પરથી મોબાઈલની જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો. જ્યાં અનિરૂધ્ધસિંહ નામના શખ્સે ફોન લેવા માટે શેલા ખાતેના દેવેન્દ્ર મણીઆર પાસે મોકલ્યા હતા.
દેવેન્દ્રભાઈએ અનિરૂધ્ધસિંહ પોતાના મિત્ર હોવાનો વિશ્વાસ અપાવતા મુકેશભાઈએ તેમણે મોકલેલા QR કોડ પર પોતાના અને મિત્રના ખાતામાંથી કુલ ₹1.30 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ અનિરૂધ્ધસિંહે ફોન બંધ કરી દીધો હતો અને ખાતામાં રૂપિયા ન આવતા દેવેન્દ્રભાઈએ મોબાઈલ આપવાની ના પાડી દેતાં રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે.
લિંક પર ક્લિક કરાવ્યા બાદ OTP વગર ખાતામાંથી નાણાં ઉપડી ગયા બીજી ઘટનામાં પાલડીના નિકેતાબેન શાહ પાસે એયુ બેંકનું બંધ ક્રેડિટ કાર્ડ હોવાથી ઠગે ફોન કરી કાર્ડ એક્ટિવ કરવા માટે વોટ્સએપ પર એક લિંક મોકલી હતી.
નિકેતાબેને લિંક પર માત્ર નામ વેરિફાઈ કર્યું હતું અને ફોન પર આવેલો ઓટીપી સબમિટ કર્યો ન હોવા છતાં, થોડી વારમાં બેંકમાંથી પેમેન્ટ કન્ફર્મેશનનો ફોન આવ્યો હતો. તેમણે તુરંત કાર્ડ બ્લોક કરાવ્યું હોવા છતાં તેમના ખાતામાંથી ₹1,81,899 ની રકમ ડેબિટ થઈ ચૂકી હતી. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

